રસાયણોથી પકવાયેલું અનાજ DNA પણ બદલી શકે છે?

જંકફૂડ અથવા રસાયણોથી પકવાયેલો ખોરાક વ્યક્તિના DNAમાં ફેરફાર કરે છે. જેની અસર 7 પેઢી સુધી રહે છે. વંધ્યત્વ, અધૂરા મહિને પ્રસ્તુતિ, નાની ઉંમરમાં વાળ સફેદ થવા, કેન્સર અને ચામડીના રોગ પણ જંકફૂડના લીધે થાય છે. જ્યારે ઓર્ગેનિક ફૂડને કારણે લોકોના સ્વાસ્થ્યમાં સુધારો આવે છે જે લાંબાગાળાનો હોય છે. ઈમ્યુનીટીમાં વધારો કરે છે. આખા મહિનાના રેશન કરતા ઓર્ગેનિક ફૂડ રેશન ફક્ત 1 હજાર થી 1500 રૂપિયા વધુ હોય છે. તેમ વડોદરામાં ઓર્ગેનિક ફૂડ અંગે જાગૃત્તતા ફેલાવાના હેતુથી શાયોના ફાઉન્ડેશન અને કાર્વી ઓર્ગેનિક્સે ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતોની મુલાકાત શહેરજનો સાથે કરાવવાનું આયોજન કર્યું હતું. જેમાં લોકોને વિનોદ કરકરેએ જાણકારી આપી હતી.

ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂત અને ઓર્ગેનિક ખોરાકનો ઉપયોગ કરતા લોકો વચ્ચે સીધો સંવાદ યોજવામાં આવ્યો
કેળાંંની છાલ પણ ઉપયોગી હોય છે, બાયોપ્લાન્ટ દ્વારા લાઇવ ખાતર બનાવી બતાવ્યું
શહેરીજનો દ્વારા વોરાગામડી બાયોફર્ટીલાઇઝર પ્લાન્ટની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં લીલા કચરાને બારીક ક્રશિંગ કરીને બોટલીંગ કરવાના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. અહીં લોકોએ ઓર્ગનિક કેળાં ખાધા પછી તેની છાલને બાયોપ્લાન્ટમાં નાખી અને લાઈવ ખાતર બનતા નિહાળ્યું હતું. ઉપરાંત ઓર્ગેનિક રીતે તૈયાર થતા 15થી 20 શાકભાજી તેમજ ફળો જોયા હતા. ઉપરાંત ધરમપુરી ગામે પણ 20 વર્ષથી વધુ ઓર્ગેનિક ખેતી કરતા ફાર્મની મુલાકાત લીધી હતી.

ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે
અંદાજિત 5-10% ખેડૂતો જ ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. જેનું કારણ ખેડૂતોની ઓછી જાગૃતતા છે. ખેડૂતો જો ઓર્ગેનિક ખેતી કરે તો ફાયદો છે. ઓર્ગેનિક ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના નહિવત ઉપયોગને લીધે જમીનની ગુણવતા સુધરે છે. લોકો તે જ અનાજ આરોગશે તો તેમનું સ્વાસ્થ્ય પણ સુધરશે. જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો ખર્ચ બચશે.

શહેરનાં 3% લોકો ઓર્ગેનિક ખાય છે
ઓર્ગેનિક ફૂડ એટલે કોઈ પણ રાસાયણિક ખાતર કે જંતુનાશકો વિના જ ઉગેલાં અનાજ, ફળ, શાકભાજી. ઓર્ગેનિક ફૂડ તમામ રીતે ફાયદાકારક હોવા છતાં લોકોમાં જાગૃત્તતા ઘણી ઓછી છે. શહેરના અંદાજિત ફક્ત 2 થી 3 ટકા લોકો ઓર્ગેનિક ફૂડ આરોગે છે. જ્યારે વિદેશોમાં લોકો અહીંથી નિકાસ થતા ફળ, શાકભાજી કે અનાજમાં ઓર્ગેનિક વસ્તુની ડિમાન્ડ રાખતા હોય છે. કારણકે વિદેશીઓ હવે ઓર્ગેનિક ફૂડ તરફ વળ્યાં છે.